- પીએમ મોદીએ નેધરલેંડના વડાપ્રધાન સાથે કરી વાત
- નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે કરી વાતચીત
- યુક્રેનની વર્તમાન સ્થિતિ પર કરી ચર્ચા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેધરલેંડના વડાપ્રધાન માર્ક રુટ્ટે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ રુટ્ટે સાથે યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.
પીએમઓએ કહ્યું કે,વાટાઘાટો દરમિયાન વડાપ્રધાન મોદીએ દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો.વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત કર્યું હતું અને વહેલા ઉકેલની આશા વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ વડાપ્રધાન રુટ્ટેને સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પ્રગતિ અને અસરગ્રસ્ત વસ્તી માટે દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠાના સ્વરૂપમાં ભારતની સહાય વિશે માહિતી આપી હતી.
આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી અને પૂર્વી યુરોપિયન દેશ પર રશિયાના હુમલા બાદ ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી.આ દરમિયાન પીએમ મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિ પુતિને પીએમને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ સંભવિત સહયોગની ખાતરી આપી હતી. તો,વડાપ્રધાને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે પણ 35 મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો માટે ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.