Site icon Revoi.in

પીએમ મોદી આજે 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે-આ ડિજીટલ બેઠકમાં અફઘાનની સ્થિતિ પર થશે ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે ગ્રુપ ઓફ ફાઇવ બ્રિક્સની વાર્ષિક સમિટની અધ્યક્ષતા કરનાર છે. જો કે આ બેઠક ડિજિટલ રીતે યોજાશે જેમાં અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ  જોવા મળી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચા થવાની ધારણા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પણ બેઠકમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2021 માં ભારતની બ્રિક્સની અધ્યક્ષતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ફોર્મેટમાં 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે.

બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વિશ્વના પાંચ સૌથી મોટા વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક વસ્તીના 41 ટકા, વૈશ્વિક જીડીપીના 24 ટકા અને વૈશ્વિક વેપારના 16 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. આ પહેલા તેમણે વર્ષ 2016 માં ગોવામાં પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષે બ્રિક્સની 15 મી વર્ષગાંઠ છે. આ વખતે સમિટની થીમ છે: ‘બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે આંતર-બ્રિક્સ સહકાર’.

ભારતે તેના પ્રમુખપદ માટે ચાર અગ્રતા વિસ્તારોની રૂપરેખા આપી છે. તેમાં બહુપક્ષીય પ્રાણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધ પડકાર, એસડીજી પ્રાપ્ત કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ અને લોકો વચ્ચેના સંપર્કોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.