તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને PM મોદી લીધી ઝંડી બતાવી રવાના કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલના રોજ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરાવશે. આ ટ્રેન રુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને તૈયાર થયેલી પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચી વોટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પોતાની રીતે અનોખો એવો આ પ્રોજેક્ટ કોચી શહેર સાથે વિના અવરોધે કનેક્ટિવિટી માટે બૅટરી સંચાલિત ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ દ્વારા કોચીની આસપાસના 10 ટાપુઓને જોડે છે. પીએમ મોદી દ્વારા કોચી વોટર મેટ્રો ઉપરાંત ડીંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનના રેલ વિદ્યુતીકરણનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન, તિરુવનંતપુરમ, કોઝિકોડ, વર્કલાશિવગિરી રેલ્વે સ્ટેશનોના કાયાકલ્પ સહિત વિવિધ રેલ્વે પરિયોજનાઓ; નેમોન અને કોચુવેલી સહિત તિરુવનંતપુરમ વિસ્તારનો વ્યાપક વિકાસ અને તિરુવનંતપુરમ-શોરનુર વિભાગની વિભાગીય ગતિમાં વૃદ્ધિની પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને ઉદ્યોગો અને વ્યાપારી એકમો દ્વારા ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટે એક મુખ્ય સંશોધન સુવિધા તરીકે ડિજિટલ સાયન્સ પાર્કની પરિકલ્પના કરવામાં આવી છે.
ત્રીજી પેઢીના સાયન્સ પાર્ક તરીકે, ડિજિટલ સાયન્સ પાર્ક AI, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, સ્માર્ટ મટિરિયલ્સ વગેરે જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉત્પાદનોના વિકાસને સમર્થન આપવા માટે સામાન્ય સુવિધાઓ ધરાવતો હશે. અદ્યતન મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો દ્વારા ઉચ્ચતમ લાગુ કરાયેલા સંશોધન અને યુનિવર્સિટીઓ સાથે મળીને ઉત્પાદનોના સહ-વિકાસને સમર્થન આપશે. પ્રોજેક્ટના તબક્કા-1 માટે પ્રારંભિક રોકાણ આશરે રૂ. 200 કરોડ છે જ્યારે પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 1,515 કરોડ છે.