કોરોના વધતા અને રસીકરણ પર પીએમ મોદી તમામ રાજ્યોના સીએમ સાથે આવતીકાલે બેઠક કરશે
- પીએમ મોદી આવતીકાલે કરશે બેઠક
- તમામ રાજ્યના CM સાથે કરશે બેઠક
- કોરોના વધતા-રસીકરણ પર વાતચીત
દિલ્લી: કોરોના વાયરસના વધતા જતા જોખમ અને કોરોના રસીકરણ અભિયાન પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 માર્ચના રોજ બેઠક કરશે. વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મહામારી અને રસીકરણ પર વાતચીત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ,આ બેઠક 17 માર્ચ એટલે કે બુધવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે.
આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવાઈ રહી છે,કારણ કે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ફરી એકવાર દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન અને વિવિધ પ્રકારના પ્રતિબંધો પર વિચારણા કરવામાં આવી રહી છે. એટલે કે,દેશ ફરી એક વાર લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પાછો ફરી રહ્યો છે. એક અધિકારીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોને હેલ્થ પ્રોટોકોલ અને કોરોના માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવા આદેશ આપ્યો છે.નિવેદન મુજબ,પીએમ મોદીએ ફરીથી બધા લોકોને અપીલ કરી છે કે, તમામ લોકો માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવી રાખે.
ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 26,291 નવા કેસ નોંધાયા બાદ સોમવારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,13,85,339 થઇ ગઈ છે. આંકડા મુજબ, 85 દિવસ બાદ દેશમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પહેલા 20 ડિસેમ્બરે 24 કલાકમાં 26,624 નવા કેસ નોંધાયા હતા.
-દેવાંશી