રાજકોટમાં PM મોદી 25મી ફેબ્રુઆરીએ અટલ સરોવર, એઈમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરી તેમજ 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે. જેમાં એઈમ્સ, અટલ સરોવર તેમજ ઝનાના હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટમાં આગામી તા. 25ના રોજ વડાપ્રધાનના હસ્તે એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનો લોકાર્પણ કરાશે. તેમજ વડાપ્રધાનના હસ્તે અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું પણ લોકાર્પણ કરાશે. આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનાં જણાવ્યા મુજબ, અટલ સરોવર પ્રોજેક્ટની 10 ટકાથી વધુ કામગીરી બાકી હોવાથી તે પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે કામ તાત્કાલીક પૂરૂ કરવા બે સિટી ઇજનેર, બે ઇન્ચાર્જ સિટી ઇજનેર સહિત 33 ઇજનેરોની નિમણૂંક કરી છે. જેને કારણે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ અટલ સરોવરનું લોકાર્પણ તા. 25-2-2024ના રોજ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ માટે જ અધિકારીઓને વધારાની કામગીરી સોંપીને બાકીના કામ તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અટલ સરોવરની ક્ષમતા 477 MLDની છે. જેમાં સ્માર્ટ સિટીની જોગવાઈ મુજબ પાણી ભરવામાં આવ્યું છે. વિદેશમાં જોવા મળતા હોય તેવા 200 ફૂટના રોડ સહિતનું નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ સિટીમાં ઉભું કરવામાં આવ્યું છે. ક્રિકેટ સ્ટેડિયમ જેવું એક સર્કલ પણ મૂકવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જોકે, લોકાર્પણ બાદ ચકડોળ સહિતનાં બાકી રહેલા નાના-મોટા કામો પણ ત્વરિત પૂર્ણ કરવામાં આવશે.
આરએમસીના સૂત્રોએ કહ્યું હતું કે, અટલ સરોવર અને સ્માર્ટસિટી પ્રોજેકટના લોકાર્પણ માટે જુદા-જુદા કામ અને બ્લોકવાઇઝ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટના કામ પૂરા કરવા સિટી ઇજનેર પી.ડી.અઢીયા, ઇન્ચાર્જ સિટી ઇજનેર કે. કે. મહેતા, ઇન્ચાર્જ એડી. સિટી ઇજનેર જે.ડી. કુકડીયાને જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેકટમાં બ્લોક નં.1થી 14માં અન્ય 16 જેટલા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. અટલ સરોવર પ્રોજેકટ પૂરો કરવાનું કામ સિટી ઇજનેર અલ્પના મિત્રાને આપવામાં આવ્યું છે, તો બ્લોક વાઇઝ 5 ઇજનેરો, ગાર્ડનિંગ માટે આર. કે. હિરપરાની નિમણૂંક કરવામાં આવી છે. સાથે અન્ય કામો માટે પણ ઇજનેરોને જવાબદારી સોંપી સ્માર્ટ સિટીમાં સોલીડ વેસ્ટ શાખાને સફાઇ, બાંધકામ વેસ્ટના નિકાલ, રખડતા ઢોર દૂર કરવા સહિતના હુકમ કરવામાં આવ્યા છે.