‘આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન’નો આજથી આરંભ- પીએમ મોદી કરશે ઉદ્ધાટન
- આજથી આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનો પ્રારંભ
- પીએમ મોદી કરશે ઉદ્ધાટન
દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજરોજ 27 સપ્ટેમ્બર સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનાર છે, આ કાર્યક્રમ આજ રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી દેશની જનતાનું સંબોધન પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી કરી હતી. હાલમાં આ ડિજિટલ અભિયાન 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.
કેન્દ્ર સરકારની માહિતી મુજબ આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવશે જે ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ હેઠળ અન્ય હેલ્થ સેક્ટર પોર્ટલની આંતરક્રિયાને સક્ષમ બનાવ માટે કાર્ય કરશે.આ અંતર્ગત, નાગરિકોને આરોગ્ય ઓળખ પૂરી પાડવામાં આવશે જે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કામ કરશે. આ આઈડી સાથે, વ્યક્તિ મોબાઈલ એપ દ્વારા તેના આરોગ્ય રેકોર્ડ જોઈ શકશે.
આ રાષ્ટ્રીય સ્તરીય અભિયાનની શરુઆત નેશનલ હેલ્થ ઓથોરિટીની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠને અનુરૂપ શરૂ કરવામાં આવી રહી છે. આ અભિયાનના ઉદઘાટન સમયે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આ સમગ્ર કાર્યક્મ ડિજિટલ રીતે યોજાઈ રહ્યો છે.