વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું તા. 10મી જાન્યુઆરીએ પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
અમદાવાદઃ ગુજરાતમાં આગામી જાન્યુઆરી 2022માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ધાટન કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જ દેશમાં કુલ 6 રોડ જેટલા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી તા. 8મી અને 9મી ડિસેમ્બરના રોજ વિદેશ પ્રવાશ જશે જ્યાં સમિટ અંગે રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના અગ્રસચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ છે. તેમજ સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન ઇવેન્ટ યોજાશે જે અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય યોજાયું નથી. તા. 10, 11 અને 12 જાન્યુઆરીએ આત્મનિભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર કાર્યક્રમ યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 8મી ડિસેમ્બરમાં દુબઈમાં રોડ-શો કરશે. આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ અને જાપાનમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે જ ગુજરાત સરકારે કરોડો રૂપિયાના 20 જેટલા એમઓયુ કર્યાં છે. જેના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં 39 હજાર જેટલી નવી રોજગારીની તકો ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સમિટને લઈને ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.