- પીએમ મોદી સેહત યોજનાનો કરશે શુભારંભ
- જમ્મુ-કાશ્મીર માટે સેહત યોજનાનો શુભારંભ
- રૂ. 5 લાખ સુધીનું સ્વાસ્થ્ય વીમા કવર મળશે
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્માન ભારત યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સેહતનો શુભારંભ કરશે. આ યોજનાને પીએમ-જય તરીકે પણ ઓળખવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં હવે દરેક પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. દેશમાં તેની આ પ્રકારની પ્રથમ યોજનાના અમલથી રાજ્યના તમામ 1.30 કરોડ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ મળશે.
વડાપ્રધાન કચેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન 26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે વીડીયો કોન્ફરેન્સિંગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ-જય સેહતની શરૂઆત કરશે. ત્યારબાદ લોકોને સંબોધિત કરશે.
આ યોજનામાં જમ્મુ કાશ્મીરના તમામ રહેવાસીઓને સામેલ કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ ઉપસ્થિત રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેતા તમામ લોકોને મફત વીમા કવર પ્રદાન કરે છે.
જમ્મુ-કાશ્મીરની વસ્તી લગભગ 1 કરોડ ત્રીસ લાખ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીરના ત્રીસ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ એક કરોડ લોકોને સેહત સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. બંને યોજનાઓના લાભાર્થીઓને સમાન સુવિધાઓ અને લાભ મળશે.
રાજ્ય સરકારે જમ્મુ-કાશ્મીરના સરકારી કર્મચારીઓને સેહત સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત આવરી લેવાનું લક્ષ્યાંક પણ રાખ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ નોંધણી કરાવી છે. અન્ય નાગરિકોને આવરી લેવા માટે આગામી દિવસોમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સેહત સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત સાથે રાજ્યમાં આ યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ વિતરણ કરવાનું કાર્ય પણ શરૂ થશે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જમ્મુ કન્વેન્શન સેંટર ખાતે મુખ્ય સમારોહમાં કેટલાક લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ કરશે.
-દેવાંશી