- પીએમ મોદી નવા સંસદ ભવનનો કરશે શિલાન્યાસ
- 971 કરોડના ખર્ચે તૈયાર થશે નવું સંસદ ભવન
- અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવું સંસદ ભવન
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કરશે.આ સમારોહમાં વિવિધ રાજકીય દળોના નેતાઓ, કેન્દ્રીય મંત્રી અને કેટલાક દેશોના રાજદૂતો ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન પણ કરશે. ચાર માળનું નવા સંસદ ભવનનું નિર્માણ 971 કરોડના ખર્ચે 64,500 ચોરસ મીટર ક્ષેત્રે બનાવવાનું સૂચન છે. તેનું નિર્માણ કાર્ય ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ સુધીમાં પૂર્ણ થઇ જશે.
પ્રત્યેક સંસદ સભ્યને પુનર્ગઠિત શ્રમ શક્તિ ભવનમાં કાર્યાલય માટે 40 ચોરસ મીટર જગ્યા આપવામાં આવશે,જેનું બાંધકામ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે. નવા સંસદ ભવનના નિર્માણની રજૂઆત ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ક્રમશ: 5 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભા અને લોકસભામાં કરવામાં આવી હતી.
લોકસભા સચિવાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, નવા સંસદ ભવનની ડિઝાઇન અમદાવાદના મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. નવું ભવન તમામ આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન સુવિધાઓ અને ડેટા નેટવર્ક સિસ્ટમ્સથી સજ્જ હશે.
લોકસભા સચિવાલય મુજબ નવા સંસદ ભવનના લોકસભા કક્ષમાં 888 સભ્યોની બેઠક વ્યવસ્થા હશે,જેમાં સંયુક્ત સત્ર દરમિયાન 1224 સભ્યોની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેવી જ રીતે રાજ્યસભા ચેમ્બરમાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
સંસદનું નવું ભવન ભવ્ય વારસો બતાવશે
નવા સંસદ ભવનમાં ભારતનો ગૌરવપૂર્ણ વારસો પણ બતાવવામાં આવશે. દેશના દરેક ખૂણાના દસ્તકાર અને શિલ્પકાર તેમની કળા અને યોગદાનના માધ્યમથી આ ભવનમાં સાંસ્કૃતિક વિવિધતાનો સમાવેશ કરશે. નવું સંસદ ભવન અત્યાધુનિક, તકનીકી સુવિધાઓથી યુકત અને ઉર્જા કુશળ સજ્જ હશે. હાલના સંસદ ભવનથી સટી ત્રિકોણીય આકારની નવી ઈમારત સુરક્ષા સુવિધાથી સજ્જ હશે. નવી લોકસભા વર્તમાન કદ કરતા ત્રણ ગણી મોટી હશે અને રાજ્યસભાનું કદ પણ વધારવામાં આવ્યું છે. નવી ઇમારતના શણગારમાં ભારતીય સંસ્કૃતિ, પ્રાદેશિક કળા,હસ્તકલા અને સ્થાપત્યની વિવિધતાનો સમૃદ્ધ મિશ્રણ હશે.
કેન્દ્રીય બંધારણીય ગેલેરીને ડિઝાઇન યોજનામાં સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય લોકો તેને જોઈ શકશે. નવા સંસદ ભવનના નિર્માણમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને પર્યાવરણને અનુકૂળ કાર્યશૈલીને પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી રોજગારની નવી તકો ઉભી થશે અને આર્થિક પુનરુત્થાનના દ્વાર ખુલશે.
હાલની સંસદની રચના 1921માં કરવામાં આવી હતી
હાલના સંસદ ભવનનું નિર્માણ પ્રખ્યાત આર્કિટેક્ટ્સ સર એડવિન લુટીયંસ અને સર હરબર્ટ બેકરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. તેનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921 ના રોજ ડ્યુક ઓફ કનોટ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા 18 જાન્યુઆરી 1927 ના રોજ આ ઈમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલનું સંસદ ભવન 560 ફૂટ વ્યાસવાળા એક પરિપત્ર ભવન છે. તેનો પરિઘ એક તૃતીયાંશ માઇલ છે. અને તેનું ક્ષેત્રફળ લગભગ છ એકર છે.
તેના પહેલા માળે ખુલ્લા વરંડાની ધાર પર ક્રીમ રંગના રેતીના પત્થરની 144 સ્તમ્ભ લગાવેલી છે, જેની ઉંચાઈ 27 ફુટ છે. આ સ્તમ્ભ આ ભવનને એક વિશિષ્ટ આકર્ષણ અને ગરિમા પ્રદાન કરે છે.આખું સંસદ ભવન લાલ પત્થરની સુશોભન દિવાલથી ઘેરાયેલી છે, જેમાં લોહના દ્વાર લાગેલા છે.કુલ મળીને તે ભવનમાં 12 દ્વાર છે.હાલના સંસદ ભવનનું નિર્માણ છ વર્ષમાં પૂર્ણ થયું હતું અને નિર્માણ પર 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. કેન્દ્રીય વિધાનસભાની પહેલી બેઠક 19 જાન્યુઆરી 1927 ના રોજ સંસદ ભવનમાં મળી હતી.
-દેવાંશી