- ખેડૂતોના ખાતામાં 2000 રુપિયા નાખશે પીએમ મોદી
- દેશના કરોડો પરિવારને તેનો લાભ મળશે
દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશના ખેડૂતો માટે અનેક યોજનાઓ લાગુ કરી છે,અને આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને ઘણા લાભો પણ આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે 9 ઓગસ્ટે બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો આગામી હપ્તો જારી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં આ બાબતની માહિતી આપવામાં આવી છે.
જારી કરવામાં આવેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, “આ સાથે, રૂ. 19,500 કરોડથી વધુની રકમ 9.75 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી ખેડૂતો સાથે વાતચીત પણ કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.”
પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં સીધા બેંક ખાતામાં રૂ .2000 ના ત્રણ સમાન હપ્તામાં જમાં કરવામાં આવતા હોય છે. અત્યાર સુધી, આ યોજના દ્વારા ખેડૂત પરિવારોને 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી ચૂકી છે.
આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો 8 મો હપ્તો બહાર પાડ્યો હતો.