- પાકિસ્તાન અને ચીન ફ્રંટ પર વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે પીએમ
- કમ્બાઇંડ કમાન્ડર્સ કોન્ફરન્સ ગુજરાતના કેવડિયામાં યોજાશે
- પીએમ પહેલીવાર ત્રણેય સેનાના ટોચના કમાન્ડરોને સંબોધિત કરશે
- બહોળી સંખ્યામાં અધિકારીઓ લેશે ભાગ
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના પહેલા અઠવાડિયામાં યોજાનારી કમ્બાઇંડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ચીન અને પાકિસ્તાનના મોરચા પર વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. આ સિવાય તે સશસ્ત્ર દળોની વચ્ચે સંકલન વધારવાની સ્થિતિ પર પણ ટોચના કમાન્ડર સાથે ચર્ચા કરશે. ગુજરાતના કેવડિયામાં કમ્બાઇંડ કમાન્ડર્સ કોન્ફરન્સ યોજાનારી છે, જેમાં આર્મી, નૌકાદળ અને વાયુસેનાના ટોચના કમાન્ડર ભાગ લેશે. આ કોન્ફરન્સ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના પ્રથમ તબક્કાની ડિસઇંગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોજાનાર છે.
તેમના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સેનાના ત્રણ દળોના ટોચના કમાન્ડરોને સંબોધિત કરશે. આ દરમિયાન, તેઓ આગામી પડકારો અંગે સંરક્ષણ દળોને દિશા-નિર્દેશો આપશે. આ કોન્ફરન્સમાં ત્રણેય દળોના કમાન્ડર ઇન ચીફ ઓફિસર અને ટ્રાઇ-સર્વિસ ઓર્ગેનાઇઝેશન જેવા ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને અંદમાન નિકોબાર કમાન્ડના અધિકારીઓ ભાગ લેશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ તેમાં ભાગ લેશે. 2019માં ફરી સરકાર બન્યા પછી આ પદની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનને થિયેટર કમાન્ડર્સની રચનાને લઈને થયેલી પ્રગતિ અંગેનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે. યોજના મુજબ રક્ષા મંત્રાલય એર ડિફેન્સ કમાન્ડની રચના કરશે. વડાપ્રધાનને લદ્દાખમાં ચીનની કાર્યવાહીના જવાબમાં સેના દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે.
-દેવાંશી