- પીએમ મોદી ઈસ્ટ એશિયા શિખર સમ્મેલનમાં લેશે ભાગ
- આ સમિટમાં આતંકવાદ મુદ્દે થશે ચર્ચા
દિલહીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 16મી ઈસ્ટ એશિયન સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે આપેલી માહિતી મુજબ આજ રોજ બુધવારે યોજાનાર આ કાર્યક્રમમાં આતંકવાદની ચર્ચા સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.
16મી પૂર્વ એશિયા સમિટમાં, નેતાઓ દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી, કોરોનાકાળમાં સહકાર સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિત અને ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરશે. નેતાઓ માનસિક સ્વાસ્થ્ય, પ્રવાસન દ્વારા આર્થિક પુનઃપ્રાપ્તિ અને હરિયાળી પુનઃપ્રાપ્તિ અંગેની ઘોષણાઓ પણ સ્વીકારે તેવી અપેક્ષા છે, જે ભારત દ્વારા સહ-પ્રાયોજિત છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ એશિયા સમિટ એ ઈન્ડો-પેસિફિકના અગ્રણી નેતાઓની આગેવાની હેઠળનું એક મંચ છે. તેનો આરંભ 2005 માં થયો હતો, તેમણે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૌગોલિક રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે આસિયાનના 10 સભ્ય દેશો ઉપરાંત પૂર્વ એશિયા સમિટમાં ભારત, ચીન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સામેલ જોવા મળે છે.
ભારત, પૂર્વ એશિયા સમિટના સ્થાપક સભ્ય હોવાને કારણે, પૂર્વ એશિયા સમિટને મજબૂત બનાવવા અને તેને સમકાલીન પડકારોનો સામનો કરવા વધુ અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા ધરાવે છે. ઈન્ડો-પેસિફિક અને ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ પર ઓશન ઈનીશિએટીવ એકીકરણ સાથે સંબંધિત ઈન્ડો-પેસિફિકમાં વ્યવહારિક સહકારને આગળ વધારવા માટે તે એક મહત્વપૂર્ણ મંચ છે.