Site icon Revoi.in

PM મોદી 4 ડિસેમ્બરે દહેરાદૂનના પ્રવાસેઃ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે.

વડાપ્રધાન અગિયાર વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આમાં દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર સામેલ છે. તેનું નિર્માણ અંદાજે રૂપિયા 8300 કરોડના ખર્ચે કરવામાં આવશે. આનાથી દિલ્હી અને દહેરાદૂન વચ્ચે હાલમાં મુસાફરીનો 6 કલાકનો સમય ઘટીને લગભગ 2.5 કલાક થઇ જશે. તેમાં હરિદ્વાર, મુઝફ્ફરનગર, શામલી, યમુનાનગર, બાગપત, મેરઠ અને બેરૌત સાથે કનેક્ટિવિટી માટે સાત મુખ્ય ઇન્ટરચેન્જ સામેલ રહેશે. આ વિસ્તારમાં વન્યજીવોની હિલચાલમાં કોઇ ખલેલ ના પડે તે માટે તેમાં એશિયાનો સૌથી મોટો વાઇલ્ડલાઇફ એલિવેટેડ કોરિડોર (12 કિમીનો) રહેશે. તેમજ દહેરાદૂનમાં દતકાલી મંદિરની નજીક 340 મીટર લાંબી સુરંગ રહેશે જેનાથી વન્યજીવો પર પડતા પ્રભાવમાં ઘટાડો થશે. આ ઉપરાંત, ગણેશપુર- દહેરાદૂન વિભાગમાં પાણીઓને આવનજાવન માટે બહુવિધ એનિમલ પાસ તૈયાર કરવામાં આવશે જેથી પ્રાણીઓ અને વાહનો વચ્ચે ટક્કરની ઘટનાઓ ટાળી શકાય. દિલ્હી- દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરમાં દરેક 500 મીટરના અંતરાલે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અને 400 કરતાં વધારે વોટર રિચાર્જ પોઇન્ટ્સ પણ તૈયાર કરવામાં આવશે.

દિલ્હી- દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરમાં શહારનપુરના હાલગોઆથી હરિદ્વારના બહદ્રાબાદને જોડતી ગ્રીનફિલ્ડ સંરેખણ પરિયોજનાનું બાંધકામ રૂપિયા 2000 કરોડ કરતાં વધારે ખર્ચે થશે. તેનાથી દિલ્હીથી હરિદ્વાર વચ્ચે પણ અવિરત કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને મુસાફરીનો સમય ઘટી જશે. મનોહરપુરથી કાંગરી સુધીની હરિદ્વાર રિંગરોડ પરિયોજનાનું નિર્માણ રૂપિયા 1600 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે, જે હરિદ્વાર શહેરમાં રહેવાસીઓને ટ્રાફિકની ભીડમાંથી રાહત આપશે જેમાં ખાસ કરીને પર્યટકોની સંખ્યા સૌથી વધારે હોય તેવી મોસમમાં રાહત મળશે તેમજ કુમાઉ ઝોન સાથે બહેતર કનેક્ટિવિટી પણ થઇ શકશે.