પીએમ મોદી કર્ણાટકની લેશે મુલાકાત,એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું કરશે ઉદ્ઘાટન
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન અને 13 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે.
વડાપ્રધાન 12 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે દૌસા ખાતે પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે.
13 ફેબ્રુઆરીના રોજ, સવારે લગભગ 9:30 વાગ્યે, તેઓ બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.એરો ઇન્ડિયા 2023ની થીમ “ધ રનવે ટુ અ બિલિયન ઓપર્ચ્યુનિટીઝ” (એક અબજ તકોનો રનવે) રાખવામાં આવી છે.
વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને અનુરૂપ, આ કાર્યક્રમમાં સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર વડાપ્રધાન વિશેષ ભાર આપી રહ્યા છે તેવું પણ અહીં દર્શાવવામાં આવશે, કારણ કે આ કાર્યક્રમ ડિઝાઇન નેતૃત્વ, UAV ક્ષેત્રમાં વૃદ્ધિ, સંરક્ષણ અવકાશ અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓમાં દેશની પ્રગતિ બતાવશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)-તેજસ, HTT-40, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) જેવા સ્વદેશી એર પ્લેટફોર્મની નિકાસને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ સ્થાનિક MSME અને સ્ટાર્ટ-અપ્સને વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં એકીકૃત કરવામાં અને સહ-વિકાસ તેમજ સહ-ઉત્પાદન માટેની ભાગીદારી સહિત વિદેશી રોકાણોને આકર્ષવામાં પણ મદદ કરશે.
એરો ઇન્ડિયા 2023માં 80થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. એરો ઇન્ડિયા 2023માં લગભગ 30 દેશોના મંત્રીઓ અને વૈશ્વિક તેમજ ભારતીય OEMના 65 CEO ભાગ લે તેવી શક્યતા છે.
એરો ઇન્ડિયા 2023 પ્રદર્શનમાં લગભગ 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800 કરતાં વધુ સંરક્ષણ કંપનીઓની સહભાગીતા જોવા મળશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારી ભારતીય કંપનીઓમાં MSME અને સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે, જે દેશમાં વિશિષ્ટ ટેકનોલોજીની પ્રગતિ, એરોસ્પેસમાં વિકાસ અને સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. એરો ઇન્ડિયા 2023ના મુખ્ય પ્રદર્શકોમાં એરબસ, બોઇંગ, દાસૉલ્ટ એવિએશન, લોકહીડ માર્ટિન, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, બ્રહ્મોસ એરોસ્પેસ, આર્મી એવિએશન, HC રોબોટિક્સ, SAAB, સેફ્રાન, રોલ્સ રોયસ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ લિમિટેડ, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને BEML લિમિટેડનો સમાવેશ થાય છે.