ગુજરાતમાં PM મોદીની 12 ચૂંટણી સભા અને રોડ શો યોજાશે, કેટલાક વિસ્તારોમાં વધુ ફોકસ કરાશે
ગાંધીનગર: ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હજુ પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળતો નથી. ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના હજુ 7 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. હાલ ઉમેદવારો પોત પોતાની રીતે ગૃપ મીટિંગો અને લોક સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે. પણ એકાદ સપ્તાહ બાદ પ્રચારનો ધમધમાટ જોવા મળશે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10થી 12 જેટલી સભાઓ અને રેલીઓ યોજાશે. જેમાં જે વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે. એવા વિસ્તારોમાં મોદીની સભા અને રેલીઓ યોજાશે. જો કે હજુ વડાપ્રધાન મોદી પ્રચાર માટે ગુજરાતમાં ક્યારે આવશે તેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પણ બે કે ત્રણ તબક્કામાં મોદીનો પ્રચાર માટેનો કાર્યક્રમ ગોઠવાશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ યોજાશે તેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 થી 12 જેટલી જંગી જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત લોકસભાના ક્લસ્ટર મુજબ જાહેર સભા અને રેલીનું આયોજન કરાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 લોકસભા બેઠકને ક્લસ્ટર બનાવી દેવાયા છે. આ ક્લસ્ટર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અર્બન વિસ્તારમાં આ રોડ શોની સાથોસાથ જંગી જાહેર સભા પણ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને વિકાસના કામોની યાદી જાહેર કરવામાં આવશે. 15મી એપ્રિલની આસપાસ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અને રેલી યોજાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મ સ્ટાર કોમેડીયન અને ગાયક કલાકારોને પણ મેદાનમાં ઉતારવામાં આવશે. આ સાથે જ, ધારાસભ્યો, પૂર્વ મુખ્યપ્રધાન, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદોને પણ પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવશે. વડાપ્રધાન મોદીના પ્રચાર માટે એવા જિલ્લાઓ પર વધુ ફોકસ કરવામાં આવી શકે છે, જ્યાં ભાજપમાં આંતરિક કકળાટ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, વિરોધના કારણે ભાજપની વોટબેંક નબળી પડતા વિસ્તારોમાં વધુ ધ્યાન રાખવામાં આવી શકે છે. (File photo)