દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.
આ વર્ષની ISCની ફોકલ થીમ “મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” છે. તે ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાનું સાક્ષી બનશે. સહભાગીઓ મહિલાઓને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) શિક્ષણ, સંશોધનમાં સમાન ઍક્સેસ પ્રદાન કરવાના માર્ગો શોધવાનો પ્રયાસ કરવા સાથે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગની તકો અને આર્થિક ભાગીદારી ઉચ્ચ સ્તરે મહિલાઓની સંખ્યા વધારવાના માર્ગો પર ચર્ચા કરશે અને વિચાર-વિમર્શ કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓના યોગદાનને દર્શાવવા માટેનો એક વિશેષ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં જાણીતા મહિલા વૈજ્ઞાનિકોના પ્રવચનો પણ જોવા મળશે.
ISC ની સાથે અન્ય કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.બાળકોમાં વૈજ્ઞાનિક રસ અને સ્વભાવને ઉત્તેજીત કરવા માટે ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનું પણ આયોજન કરવામાં આવશે. ખેડૂત વિજ્ઞાન કોંગ્રેસ બાયો-ઈકોનોમીમાં સુધારો કરવા અને યુવાનોને કૃષિ તરફ આકર્ષવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આદિજાતિ વિજ્ઞાન કોંગ્રેસ પણ યોજવામાં આવશે, જે આદિવાસી મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે સ્વદેશી પ્રાચીન જ્ઞાન પ્રણાલી અને વ્યવહારના વૈજ્ઞાનિક પ્રદર્શન માટેનું પ્લેટફોર્મ પણ હશે.
કોંગ્રેસનું પ્રથમ સત્ર 1914માં યોજાયું હતું. ISCનું 108મું વાર્ષિક સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજાશે, જે આ વર્ષે તેની શતાબ્દી પણ ઉજવી રહી છે.