Site icon Revoi.in

પીએમ મોદી 31 મેના રોજ PM-કિસાન યોજનાના લાભાર્થીઓને 11મો હપ્તો જાહેર કરશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ રૂ. 21,000 કરોડનો 11મો હપ્તો જાહેર કરશે, જેનો લાભ 10 કરોડથી વધુ ખેડૂતોને થશે. રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કૃષિ મંત્રાલયે કહ્યું કે,વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશના શિમલામાં યોજનાનો 11મો હપ્તો જાહેર કરશે.તેઓ ‘ગરીબ કલ્યાણ સંમેલન’ના ભાગરૂપે કેન્દ્ર સરકારની 16 યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લઈ રહેલા લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ વાતચીત કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલન નામનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ. 21,000 કરોડનો 11મો હપ્તો જાહેર કરશે.” બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દિલ્હીના પુસા કેમ્પસથી આ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ-કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000ની રકમ આપવામાં આવે છે જે પ્રત્યેક રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં વિતરિત કરવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા થાય છે

વડાપ્રધાને 1 જાન્યુઆરીએ રૂ. 20,000 કરોડથી વધુનો 10મો હપ્તો જાહેર કર્યો હતો, જેનાથી 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ફાયદો થયો હતો. કૃષિ મંત્રાલયે કહ્યું કે આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો એકલ કાર્યક્રમ છે, જે અંતર્ગત દેશના તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રવ્યાપી પરામર્શ કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. કાર્યક્રમનું દૂરદર્શનની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય MyGov.in દ્વારા પણ તેનું વેબકાસ્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમ અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર પણ જોઈ શકાય છે.