Site icon Revoi.in

પીએમ મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પીએમ-કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે

Social Share

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર, 2024ના રોજ મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ. 20,000 કરોડથી વધારે છે.

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન, ભારત સરકારનાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રીઓ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ તથા જમીન અને જળ સંરક્ષણ મંત્રી સંજય રાઠોડ કે જેઓ વાશિમ અને યવતમાલ જિલ્લાઓના સંરક્ષક મંત્રી પણ છે. આ કાર્યક્રમમાં આશરે 2.5 કરોડ ખેડૂતો જોડાશે, જેમાં વેબકાસ્ટ મારફતે દેશભરમાં 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે), 1 લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો સામેલ છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિવસને પીએમ-કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવતા વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

24 ફેબ્રુઆરી, 2019નાં રોજ શરૂ થયેલી પીએમ-કિસાન યોજના જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરનાં રોજ પીએમ-કિસાનનો 18મો હપ્તો બહાર પાડશે. 18મા હપ્તાની રજૂઆત સાથે, આ યોજના હેઠળ કુલ વિતરણ 3.45 લાખ કરોડ રૂપિયાથી વધુને વટાવી જશે, જેનાથી દેશભરમાં 11 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળશે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાને વધુ પુષ્ટિ આપશે.

મહારાષ્ટ્રમાં આ યોજનાના 17 હપ્તામાં લગભગ 1.20 કરોડ ખેડૂતોને લગભગ 32,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે ભારતના તમામ રાજ્યોમાં બીજા ક્રમે છે. 18માં હપ્તામાં લગભગ 91.51 લાખ ખેડૂતોને 1,900 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે. પીએમ-કિસાન હપ્તા વિતરણની સાથે-સાથે પ્રધાનમંત્રી નમો શેતકારી મહાસન્માન નિધિ યોજનાના પાંચમાં હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને આશરે 2,000 કરોડ રૂપિયાનો વધારાનો લાભ પણ આપશે, જેથી તેમના પ્રયાસોને વધુ ટેકો મળી શકે.