Site icon Revoi.in

કાગવડના ખોડલધામમાં પાટીદારોના ધાર્મિક કાર્યક્રમમાં PM મોદીને આમંત્રણ અપાશે

Social Share

રાજકોટઃ લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે ખોડલધામને તા.21 મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.  જો કે આ પાટોત્સવનો આધાર સરકારની કોરોનાની ગાઇડલાઇન પર છે.જો કોરોનાના કેસમાં વધારો થશે તો આ કાર્યક્રમની રૂપરેખા બદલાય શકે છે.આ અંગે ખોડલધામની કોર કમિટી એક સપ્તાહમાં નિર્ણય લઇ શકે છે.જો આ કાર્યક્રમ યોજાય તો વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લેઉઆ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા કાગવડ ખોડલધામ ખાતે તા.21મી જાન્યુઆરી-2022ના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના ભાગરૂપે ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી,જુનાગઢ તથા જામનગર જિલ્લામાં પ્રવાસ કર્યો છે અને પાટીદાર સમાજને કાર્યક્રમ અંગેની તૈયારીઓ શરૂ કરી છે.આ તૈયારીના ભાગરૂપે એક સપ્તાહમાં વધુ એક બેઠક મળવાની છે. જેમાં કાર્યક્રમને અંતિમ મહોર મારવામાં આવશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા  વડાપ્રધાન  કાર્યાલયનો સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.સંભવત: ટ્રસ્ટીઓ દ્વારા દિલ્હી જઇને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવશે. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા ત્યારે પાટીલે નરેશ પટેલના નિવાસસ્થાને બંધ બારણે બેઠક કરી હતી.આ બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. કોઇપણ ચૂંટણી હોય તેમાં ખોડલધામ ચર્ચાનું કેન્દ્ર બને છે. (file photo)