Site icon Revoi.in

PM મોદી ગુજરાતના સવા ચાર લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે પાંછ વર્ષ પૂર્ણ કરતા તા. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તેઓ પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે ઓનલાઈન સીધો સંવાદ કરશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. તે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યમાં 7 ઓગસ્ટે 3906 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે. તેઓ વિકાસ દિવસે ‘‘વતનપ્રેમ’’ યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. 245 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે.

આ ઉપરાંત રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ. 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.

તેમજ વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. 328 કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ. 100 કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. 38 કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યની 8 મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે.