PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.” તેલંગાણા અને આંધ્રપ્રદેશના તેલુગુભાષી રાજ્યોને જોડનારી પ્રથમ ટ્રેન હશે.
તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે. સ્વદેશી રીતે તૈયાર કરાયેલી ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે અને વપરાશકર્તાઓને ઝડપી, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.
નોંધનીય છે કે, પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.ગયા વર્ષે ડિસેમ્બરમાં, વડા પ્રધાને પશ્ચિમ બંગાળના હાવડાથી ન્યુ જલપાઈગુડી સુધી ચાલતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.તે વંદે ભારત શ્રેણીની સાતમી ટ્રેન હતી.