Site icon Revoi.in

PM મોદી આજે મોરબી જશે,ઘાયલોની સાથે કરશે મુલાકાત,આવતીકાલે રાજ્યવ્યાપી શોક

Social Share

રાજકોટ :મોરબી દુર્ઘટનાના સમાચારથી ભાવુક બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ખુદ મોરબીની મુલાકાત લેશે.ઘટના સ્થળ જોયા બાદ તે હોસ્પિટલ જશે.જ્યાં તેઓ મૃતકોના પરિવારજનોને મળશે અને સાંત્વના આપશે તેમજ ઘાયલોની ખબર-અંતર પૂછશે.આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેબલ કમિટીની બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં અનેક રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા, તેમના માટે રોડ શોની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.પરંતુ આ દુર્ઘટના બાદ આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

મોરબીમાં મચ્છુ નદી પર અંગ્રેજોના સમયમાં બનેલો ઝુલતો પુલ રવિવારના રોજ તૂટી ગયો હતો.આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા.આ પુલ સાત મહિના પહેલા ક્ષતિના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો.26 ઑક્ટોબરે જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.આ દુર્ઘટના પર દેશ-વિદેશની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.આ ક્રમમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ ચૂંટણી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.સોમવારે દુર્ઘટનાની સમીક્ષા કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે,તેઓ પોતે મોરબી જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં ઘાયલોને મળશે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપશે. દુર્ઘટનાની સમીક્ષા કરતી વખતે તેમણે ગુજરાત સરકારને સ્પષ્ટ કર્યું કે,આ અકસ્માત માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

વડાપ્રધાનની સમીક્ષા બેઠક બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યમાં 2 નવેમ્બરે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.આ દરમિયાન તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.તે જ સમયે, સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ ઉજવણીના કાર્યક્રમો થશે નહીં. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. કહ્યું કે કોઈ સત્તાવાર સમારોહ થશે નહીં.