કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક, ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે થશે ચર્ચા
- કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક
- ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે ચર્ચા
- બેઠકમાં આરોગ્ય મંત્રાલય,કેબિનેટ સચિવ પણ જોડાશે
દિલ્હી:દેશમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરનું જોખમ સતત મંડરાય રહ્યું છે.નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરને લઈને આશંકા વ્યકત કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક બપોરે 3.30 કલાકે મળવાની છે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે..
બેઠકમાં આરોગ્ય મંત્રાલય ઉપરાંત કેબિનેટ સચિવ અને નીતિ આયોગ પણ ભાગ લેશે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે શું-શું પગલા લેવા જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવશે.
બીજી બાજુ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે માહિતી આપી કે, અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીના 57.05 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના રસીકરણનો સાર્વત્રિકરણ તબક્કો 21 જૂન 2021 થી શરૂ થયો. રસીકરણ અભિયાનના ભાગરૂપે ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે રસી આપીને સહાય કરી રહી છે. કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનને ઝડપી અને વિસ્તૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25,072 નવા કેસ નોંધાયા છે. જ્યારે 389 દર્દીઓના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,49,306 થઈ ગઈ છે. તો,એક્ટિવ દર્દીઓ ઓછા થઇ 3,33,924 પર આવી ગયા છે, જે કુલ કેસોના 1.03 ટકા છે. લગભગ 160 દિવસ બાદ, એક્ટિવ દર્દીઓની સૌથી ઓછી સંખ્યા નોંધવામાં આવી છે.