- દેશમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ
- કોરોના પર ઉચ્ચ-સ્તરની યોજાશે બેઠકો
- પીએમ મોદી ત્રણ મહત્વપૂર્ણ બેઠકો કરશે
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોવિડ- 19 ની સ્થિતિ પર હાઈ લેવલની બેઠક યોજશે.પીએમ મોદી દેશના અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા સિવાય દેશના અગ્રણી ઓક્સિજન નિર્માતાઓ સહીત કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક કરી મહામારીની હાલની સ્થિતિની સમીક્ષા કરશે.
સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાનની પહેલી બેઠક સવારે નવ વાગ્યે યોજાશે જે આંતરિક રહેશે.તેમાં કોવિડ -19 ની તાજા સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં કોણ-કોણ હાજર રહેશે, તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
વડાપ્રધાનના દિવસની બીજી બેઠક સવારે 10 વાગ્યે યોજાશે,જેમાં તેઓ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે અને મહામારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ વડાપ્રધાન બપોરે 12.30 વાગ્યે દેશના અગ્રણી ઓક્સિજન ઉત્પાદકો સાથે વાતચીત કરશે.
અગાઉ વડાપ્રધાને ટવિટ કર્યું હતું કે, આ બેઠકોને ધ્યાનમાં રાખીને તેમણે પશ્ચિમ બંગાળની તેમની સૂચિત મુલાકાત રદ કરી છે. હવે તે ડિજિટલ માધ્યમ દ્વારા ચૂંટણી રાજ્યના મતદારોને સંબોધન કરશે.
વડાપ્રધાનની આ બેઠકો એવા સમયે થઈ રહી છે, જ્યારે દેશમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે અને ઘણા રાજ્યોમાં ઓક્સિજનનો અભાવ હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.