પીએમ મોદી આવતીકાલે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન કરશે
- બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન
- પીએમ મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન
- નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરશે ઉદ્ઘાટન
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી જૂને એટલે કે આવતીકાલે સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો – 2022નું ઉદ્ઘાટન કરશે.આ પ્રસંગે તેઓ સંબોધન કરશે.
બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો – 2022નું 9મી અને 10મી જૂન એમ બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે.તેનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી અને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) દ્વારા કરવામાં આવી રહ્યું છે.BIRACની સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે.એક્સ્પોની થીમ ‘બાયોટેક સ્ટાર્ટઅપ ઈનોવેશન્સઃ ટુવર્ડ્સ આત્મનિર્ભર ભારત’ છે.
આ એક્સ્પો ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, ઉદ્યોગના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, બાયો-ઇન્ક્યુબેટર્સ, ઉત્પાદકો, નિયમનકારો, સરકારી અધિકારીઓ વગેરેને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. એક્સ્પોમાં લગભગ 300 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં આરોગ્યસંભાળ, જીનોમિક્સ, બાયોફાર્મા, કૃષિ, ઔદ્યોગિક બાયોટેકનોલોજી, વેસ્ટ-ટુ-વેલ્યુ, સ્વચ્છ ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીની ઉપયોગિતાનું પ્રદર્શન કરાશે.