PM મોદી આજે ‘સંકલ્પ શપથ’ કાર્યક્રમ શરૂ કરશે,ભારત મંડપમમાં પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિઓ રહેશે હાજર
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘સંકલ્પ શપથ’ કાર્યક્રમની શરૂઆત કરશે.આ તકે ભારત મંડપમમાં પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિઓ હાજર રહેશે. પીએમ મોદી 30 સપ્ટેમ્બરે ભારત મંડપમ ખાતે મહત્વાકાંક્ષી બ્લોક્સ માટેના એક અઠવાડિયાના કાર્યક્રમ ‘સંકલ્પ સપ્તાહ’ની શરૂઆત કરશે. આ મહત્વાકાંક્ષી બ્લોક પ્રોગ્રામ (ABP) ના અસરકારક અમલીકરણ સાથે જોડાયેલું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ આ જાણકારી આપી છે.
7 જાન્યુઆરી 2023ના રોજ પીએમ મોદી દ્વારા દેશવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે વહીવટમાં સુધારો કરવાનો છે. દેશના 329 જિલ્લાના 500 મહત્વાકાંક્ષી બ્લોકમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. મહત્વાકાંક્ષી બ્લોક પ્રોગ્રામના અમલીકરણ અને અસરકારક બ્લોક વિકાસ વ્યૂહરચના તૈયાર કરવા માટે સમગ્ર દેશમાં ગ્રામ્ય અને બ્લોક સ્તરે મંથન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સંકલ્પ સપ્તાહ’ આ ચિંતન શિબિરોનું પરિણામ છે. ભારત મંડપમ ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 3,000 પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ભાગ લેશે. આ ઉપરાંત, બ્લોક અને પંચાયત સ્તરના અધિકારીઓ, ખેડૂતો અને અન્ય ક્ષેત્રોના વ્યક્તિઓ સહિત લગભગ બે લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે.
3 ઑક્ટોબર થી 9 ઑક્ટોબર, 2023 સુધી ઉજવવામાં આવતા ‘સંકલ્પ સપ્તાહ’માં દરેક દિવસ ચોક્કસ વિકાસ થીમને સમર્પિત છે જેના પર તમામ મહત્વાકાંક્ષી બ્લોક્સ કામ કરશે. પ્રથમ છ દિવસની થીમમાં ‘સંપૂર્ણ આરોગ્ય’, ‘સુખ પોષિત કુટુંબ’, ‘સ્વચ્છતા’, ‘કૃષિ’, ‘શિક્ષણ’ અને ‘સમૃદ્ધિ દિવસ’નો સમાવેશ થાય છે. સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 9 ઓક્ટોબર, 2023 ના રોજ સમગ્ર સપ્તાહ દરમિયાન કરવામાં આવેલ કાર્યને ‘સંકલ્પ સપ્તાહ-સમાપ્તિ સમારોહ’ તરીકે ઉજવવામાં આવશે.