- PM મોદી મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કરશે શિલાન્યાસ
- રવિવારના રોજ વડોદરા ખાતે કરશે શિલાન્યાસ
અમદાવાદઃ- ભારતની સરકાર વિકાસના પથ પર સતત આગળ વધતી જઈ રહી છે. ત્યારે હવે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભારતમાં જ નિર્માણ પામશે. આ મામલે ટાટા ગ્રુપ ગુજરાતના વડોદરામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે જેમાં અત્યાધુનિક એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકાશે.
આ સાથે જ આ પ્લાન્ટ વિદેશી કંપની એરબસ સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે આ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટમાં C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને સ્થાનિક ઉડ્ડયન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે C-295 એરક્રાફ્ટ યુરોપની બહાર બનાવવામાં આવશે. એથી વિષેશ કે આ પ્રોજેક્ટ હેઠળ, ભારતમાં પહેલીવાર ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાનોનું ઉત્પાદન કરવામાં આવનાર છે.
આ સહીત આ પ્રોજેક્ટ પાછળ 21,935 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ વિમાનનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઈ શકે છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
C-295 મિલિટરી એરક્રાફ્ટ શું છે જાણીલો
- C-295 મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ કાર્ગો એરક્રાફ્ટ તરીકે થાય છે.
- આ એરક્રાફ્ટ લગભગ 6 ટન પેલોડ વહન કરી શકે છે.
- આ પ્લેન લગભગ 11 કલાક સુધી ઉડી શકે છે.
- આ વિમાન 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને એકસાથે લઈ જઈ શકે છે.
- હાલમાં ભારત પાસે આ રેન્જમાં માત્ર એવરો એરક્રાફ્ટ છે. આ વિમાનો પણ ઘણા જૂના છે. C-295 આ એરક્રાફ્ટને રિપ્લેસ કરશે.
- પ્રોજેક્ટ હેઠળ કુલ 56 એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે.
- સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ 8 સપ્ટેમ્બર, 2021ના રોજ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ SA, સ્પેન પાસેથી 56 C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટમાં એરફોર્સને એરબસ કંપનીના 56 મીડિયમ-લિફ્ટ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, સી-295 મળશે, જેમાંથી 16 એરક્રાફ્ટ સીધા એરબસ પાસેથી ખરીદવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ સાથે ગુજરાતન ાવડોદરા ખાતે બનાવાશે.