દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનું શિલાન્યાસ કરશે. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીનો આંતરિક હિસ્સો છે. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
વર્તમાન સંસદ ભવનની બાજુમાં જ બની રહેલી ત્રિકોણાકાર ઇમારત અત્યંત સુવ્યવસ્થિત સુરક્ષા સુવિધાઓ હશે. લોકસભાનું કદ વર્તમાન કદ કરતાં ત્રણ ગણું વધારે રહેશે અને રાજ્યસભાનું કદ પણ નોંધપાત્ર પ્રમાણમાં મોટું રહેશે. નવી ઇમારતનું ઇન્ટિરિયર ભારતીય સંસ્કૃતિ અને પ્રાદેશિક કળાઓ, કારીગરી, વસ્ત્રો અને સ્થાપત્યનું ભવ્ય સંમિશ્રણ રજૂ કરનારું હશે. ડિઝાઇન કરેલા પ્લાનમાં ધ્યાનાકર્ષક મધ્યસ્થ બંધારણીય ગેલેરી માટે જગ્યા પણ સામેલ છે જે સામાન્ય જનતા માટે પ્રવેશપાત્ર રહેશે. આ ઇમારતમાં સર્વોચ્ચ સલામતી ધોરણોનું પાલન કરવામાં આવશે જેમાં સેસ્મિક ઝોન 5ની જરૂરિયાતો અનુસાર માપદંડો પણ સામેલ કરાશે અને જાળવણી તેમજ સંચાલન સરળતાથી થાય તેવી ડિઝાઇન તૈયાર કરાશે.
નવા સંસદ ભવનની ઈમારતના શિલાન્યાસમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશી, આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી હરદીપ એસ. પૂરી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ, રાજ્યમંત્રીઓ, સંસદસભ્યો, સચિવો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.