PM મોદી અમેરિકામાં એલન મસ્ક સાથે કરશે મુલાકાત,ભારતમાં ટેસ્લા કાર ફેક્ટરી સ્થાપવા પર થશે વાતચીત!
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદીનો યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને મળશે. મસ્ક સાથે પીએમ મોદીની મુલાકાત ટેસ્લા ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે થશે.
એલન મસ્ક એ 24 લોકોમાં સામેલ છે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળશે. અમેરિકન પ્રવાસ પર પીએમ મોદીને મળનારમાં અર્થશાસ્ત્રી, કલાકાર અને વૈજ્ઞાનિક જેવી હસ્તીઓ સામેલ છે.
રિપોર્ટ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન લગભગ 24 લોકોને મળશે. જો કે આ બેઠકનો એજન્ડા શું હશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. એલન મસ્કે પોતાની ટેસ્લા કાર ભારતમાં લાવવાના સંકેત આપ્યા છે. પરંતુ હજુ સુધી આ અંગે સ્થિતિ અનુકૂળ બની નથી.
ગયા વર્ષે ભારતે કાર પર આયાત કર ઘટાડવાની ટેસ્લાની વિનંતીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ભારત ઇચ્છે છે કે ટેસ્લા સ્થાનિક રીતે વાહનોનું ઉત્પાદન કરે, પરંતુ ટેસ્લા પહેલા કારની આયાત કરવા અને ભારતીય બજારમાં તેનું પરીક્ષણ કરવા માંગે છે.
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદી એલન મસ્કને મળશે. વર્ષ 2015માં જ્યારે તે અમેરિકન ટૂર પર ગયા હતા ત્યારે તેની મુલાકાત એલન મસ્ક સાથે થઈ હતી. આ દરમિયાન તેમણે ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ પીએમ મોદી અને એલન મસ્કે બેટરી ટેક્નોલોજી, એનર્જી સ્ટોરેજ અને રિન્યુએબલ એનર્જીમાં ટેસ્લાના વિકાસ અને ભારત માટે આ નવીનતાની સકારાત્મક અસર વિશે ચર્ચા કરી હતી.