પીએમ મોદી ચાલુ મહિનામાં ચાર વાર ઉત્તરપ્રદેશનો કરશે પ્રવાસઃ વિવિધ પ્રોજેક્ટનો કરાવશે પ્રારંભ
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ વધારે ઝડપી બનાવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર વખત ઉત્તરપ્રદેશની મુલાકાત લે તેવી શકયતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસ દરમિયાન અનેક મોટા પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. તેમજ જનસભો અને સામાજીક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. ભાજપાની કાર્યકારિણીની બેઠક મળી હતી. આ બેઠકમાં જ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રસ્તાવ અનુસાર, વડાપ્રધાન મોદી આ મહિનામાં સુલ્તાનપુર, ઝાંસી, લખનૌ અને ગ્રેટર નોઈડા જશે. પીએમ મોદી 16મી નવેમ્બરના રોજ સવારે 11 કલાકે સુલ્તાનપુર પહોંચશે. અહીં તો 3 કિમી લાંબી હવાઈ પટ્ટી પર રાજ્યના સૌથી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. અહીં પીએમ મોદી એક જનસભાને સંબોધન કરશે. તા. 25મી નવેમ્બરના રોજ વડાપ્રધાન ગ્રેટર નોઈડામાં એક મોટા પ્રોજેક્ટ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આધારશિલા મુકશે. 19મી નવેમ્બરના રોજ પીએમ મોદી ઝાંસી જશે. અહીં રાની લક્ષ્મીબાઈની જ્યંતિ નીમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેશે. તા. 20 અને 21નવેમ્બરના રોજ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લખનૌમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન ગુપ્તચર દ્વારા આયોજીત વાર્ષિક ડીજીપી/આઈડીપી કોન્ફરન્સ યોજાશે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના પોલીસ વડા ઉપસ્થિત રહેશે. આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી જશે અહીં તેઓ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. 15મી ડિસેમ્બર સુધીમાં કોરિડોરનું કામ પુરુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.