Site icon Revoi.in

પીએમ મોદી પાવાગઢની લેશે મુલાકાત,સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર આટલા દિવસ રહેશે બંધ

Social Share

હાલોલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે.આગામી 18 જૂને પીએમ મોદી પાવાગઢમાં વિકાસ કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે.જેને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી તારીખ 16 જૂનથી 18 જૂન સુધી પાવાગઢ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડા તળાવથી માંચી સુધી રોડ માર્ગે આવશે અને ત્યારબાદ રોપ – વેના માધ્યમથી જશે. વડાપ્રધાન મોદી ચાંચર ચોક સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરશે ત્યારબાદ વડાપ્રધાન મહાકાળી માતાના દર્શન કરશે. આ સમયે પંડિતો , ભૂદેવો મંદિરમાં પૂજા વિધી કરાવશે. પીએમ મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવશે. આ સમયે સંતો – મહંતો, સીએમ ગૃહમંત્રી , ધારાસભ્યો અને સાંસદો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢના મંદિરમાં દૂર દુરથી યાત્રાળુઓ આવતા હોય છે, અને સાથે જો વાત કરવામાં આવે પીએમ મોદીની ગુજરાતમાં લોકપ્રિયતાની તો તેમની મુલાકાતના કારણે પણ મંદિરમાં ભીડ વધવાની સંભવના છે અને તેને ધ્યાનમાં રાખીને મંદિરને કેટલાક સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.