દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ડિસેમ્બરથી અહીં શરૂ થનારી બે દિવસીય ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 9 ડિસેમ્બરે પૂર્ણ થશે.
ધામીએ રોકાણકાર પરિષદના સંદર્ભમાં આયોજિત ‘ડેસ્ટિનેશન ઉત્તરાખંડ એનર્જી કોન્ફરન્સ’માં જણાવ્યું હતું કે તેઓ રાજ્યના વિકાસને લગતી બાબતોમાં વડાપ્રધાન પાસેથી સતત માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘ડેસ્ટિનેશન ઉત્તરાખંડ’નો ખ્યાલ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રોકાણકાર પરિષદ ‘વાયબ્રન્ટ ગુજરાત’ પર આધારિત છે.
આ કોન્ફરન્સમાં 40,000 કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડમાં પાવર સેક્ટર રોકાણની શક્યતાઓથી ભરપૂર છે. મુખ્યમંત્રીએ રોકાણકાર સમિટ અંગે જાગૃતિ ફેલાવવા વિદેશમાં અનેક રાજયોની મુલાકાત પણ લીધી હતી. તેમણે રાજ્યમાં રોકાણ આકર્ષવા માટે લંડન અને બર્મિંગહામ, યુકેમાં રોડ-શો પણ યોજ્યા હતા અને કોન્ફરન્સમાં હાજરી આપવા રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું. આ કોન્ફરન્સના આયોજન માટે સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે.
આ દરમિયાન ઉત્તરાખંડના અધિક મુખ્ય સચિવ રાધા રાતુરીએ કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમાર સાથે રોકાણકાર સમિટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી અને વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા કડક કરવા નિર્દેશ આપ્યો હતો. રાતુરીએ કહ્યું કે તમામ વ્યવસ્થા અગાઉથી જ કરી લેવી જોઈએ. તેમણે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહનોના રૂટ બદલવાની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.