દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટમાં તેમની વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતની ચિંતાઓ જણાવી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવી રાખવા અને એલએસી માટે આદર જાળવવો જરૂરી છે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં, બંને નેતાઓ તેમના સંબંધિત અધિકારીઓને સૈનિકોની શીધ્ર વાપસી અને તણાવ ઓછા કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે નિર્દેશ આપવા સંમત થયા હતા. ક્વાત્રાએ કહ્યું કે મોદીએ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટની બાજુમાં જૂથના નેતાઓ સાથે વાતચીત કરી હતી. અહેવાલ છે કે બુધવારે મોદી અને શી જિનપિંગ વચ્ચે વાતચીત થઈ હતી.
ક્વાત્રાએ જણાવ્યું હતું કે મોદીએ સમિટ દરમિયાન શી જિનપિંગ સાથે વાત કરી હતી અને ભારતની ચિંતાઓ તેમજ સંબંધોને સામાન્ય બનાવવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવાના મહત્વને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ બ્રિક્સ સમિટની સાથે સાથે બ્રિક્સના અન્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતમાં વડાપ્રધાને ભારત-ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર વણઉકેલાયેલા મુદ્દાઓ પર ભારતની ચિંતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવી રાખવા અને ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે એલએસીનું સન્માન કરવું જરૂરી છે.”
પૂર્વી લદ્દાખમાં કેટલાક સ્થળોએ ભારત અને ચીની સૈનિકો વચ્ચે મડાગાંઠ છે, તેમ છતાં બંને પક્ષોએ વિસ્તૃત રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટો બાદ અનેક વિસ્તારોમાંથી સૈનિકોને છૂટા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ભારત અને ચીને 13 અને 14 ઓગસ્ટના રોજ કોર્પ્સ કમાન્ડર સ્તરની 19મી રાઉન્ડની વાટાઘાટો યોજી હતી, જેમાં પૂર્વી લદ્દાખના દેપસાંગ અને ડેમચોકના અવરોધગ્રસ્ત વિસ્તારોમાં બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.