Site icon Revoi.in

કર્પૂરી ઠાકુરની જન્મશતાબ્દીએ ઓબીસી પંચના મામલે પીએમ મોદીએ કૉંગ્રેસને લીધી નિશાને

Social Share

નવી દિલ્હી : સામાજિક ન્યાયની રાજનીતિના એક ધ્રુવ રહેલા સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જનનાયક કર્પૂરી ઠાકુરને યાદ કરતા એક આર્ટિકલ લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે હું ખુદ એક પછાત વર્ગનો વ્યક્તિ છું અને તેમના યોગદાનને સમજી શકું છું. કર્પૂરી ઠાકુરની સામાજિક ન્યાયની રાજનીતિથી દેશના કરોડો લોકોના જીવનમાં સુધારો થયો હતો. તેમણે લખ્યુ છે કે મને કર્પૂરી ઠાકુરને મળવાનો મોકો મળ્યો નથી, પરંતુ કૈલાસપતિ મિશ્રાજી પાસેથી તેમના સંદર્ભે ઘણું સાંભળ્યું છે. તેમણે કર્પૂરીજી સાથે કામ કર્યું હતું.

પીએમ મોદીએ લેખમાં લક્યું છે કે અતિ પછાત નાઈ સમાજમાંથી આવનારા કર્પૂરી ઠાકુરે તમામ અડચણોને પાર કરીને ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. કર્પૂરીજીનું જીવન સાદગી અને સામાજીક ન્યાય પર આધારીત હતું. તેઓ પોતાની જિંદગીની આખરી ક્ષણો સુધી બેહદ સાદગીથી જીવ્યા.

કર્પૂરી ઠાકુરને યાદ કરતા પીએમ મોદીએ પોતાની સરકાર દ્વારા ઓબીસી વર્ગ માટે કરવામાં આવેલા કામકાજને પણ રજૂ કર્યું. તેમણે ઓબીસી પંચની રચનાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા લખ્યુ છે કે અમે કર્પૂરીજીના પગલે ચાલીને ઓબીસી કમિશન તરફ આગળ વધ્યા, તો કોંગ્રેસે તેનો વિરોધ કર્યો.

દેશભરમાં ઓબીસીને લઈને રાજનીતિ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી જોરશોરથી થઈ રહી છે. કાસ્ટ સેન્સસની માગણી અને બિહારના જાતિગત સર્વેની વાત આની જ કડી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહીતના વિપક્ષી નેતાઓ ઓબીસી વર્ગના પ્રતિનિધિત્વની વાત કરીને અવાર-નવાર ભાજપને નિશાને લેતા રહ્યા છે. કાસ્ટ સેન્સસની પણ તેઓ માગણી કરતા રહ્યા છે. પરંતુ ઓબીસી પંચના કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધનો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષના ઓબીસી અને કાસ્ટ સેન્સસના કાર્ડના બેવડા વલણોને નિશાને લીધા છે.