અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નિમીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા વિવિધ લોકહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ લોકહિત યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસે પીએમ નરેન્દ્ર મોદી વન ઉભુ કરીને રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ નજીક નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રી અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમાર, સાંસદ હસમુખ પટેલ, કિરીટ સોલંકી, ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વલ્લભ કાકડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, કોર્પોરેટરો, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગ્રે આજે ઉજ્વલા યોજના ભાગ-2 સહિતના વિવિધ લોકહિતની યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.