- PM મોદીનો છ દિવસમાં ત્રણ દેશોનો ઐતિહાસિક પ્રવાસ આજથી
- ત્રણ સમિટમાં થશે સામેલ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે રવાના થશે. આ દરમિયાન તેઓ ત્રણ સમિટમાં હાજરી આપશે અને 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ ત્રણ દેશોમાં ચાર દિવસ વિતાવશે, આ દરમિયાન તેઓ વિશ્વના 24 થી વધુ દેશોના નેતાઓને મળશે. પ્રવાસના પ્રથમ ચરણમાં 19 થી 21 મે દરમિયાન તેઓ જી-7 દેશોની સમિટમાં ભાગ લેવા જાપાન જશે.
બીજા ચરણમાં PM 21 મેના રોજ પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યુ ગિની પહોંચશે, જ્યાં તેઓ પાપુઆ ન્યુ ગિનીના PM જેમ્સ મારપે સાથે સંયુક્ત રીતે 3જી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટનું આયોજન કરશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં તેઓ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક માટે 22-24 મેના રોજ સિડનીમાં હશે.
પ્રવાસના છેલ્લા તબક્કામાં, મોદી તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે સિડનીમાં હજારો ભારતીયોને સંબોધિત કરશે. સાંસ્કૃતિક, વ્યાપાર અને વિદેશી ભારતીયો સાથે જોડાયેલા મુદ્દાઓની દ્રષ્ટિએ તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે જણાવ્યું કે પીએમ મોદી પહેલીવાર હિરોશિમા જશે. G-7 શિખર સંમેલનની બાજુમાં PM જાપાનના PM Fumio Kishida સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. જાપાનના પીએમે મોદીને જી-7 સમિટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે.