દિલ્હી: મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમની મુલાકાતે જવાના હતા, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે પશ્ચિમ મિઝોરમના મામિત નગરની મુલાકાત લેવાના હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે પીએમ મોદીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. બીજેપી રાજ્ય એકમના મીડિયા સંયોજક જોની લલથાનપુઈયાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મોદીની જગ્યાએ મિઝોરમની મુલાકાત લેશે, પરંતુ તેમના ચૂંટણી પ્રચારની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
PM મોદીની મુલાકાત રદ્દ થવા પાછળ લાલથાનપુઈયાએ કોઈ કારણ જણાવ્યું નથી. લાલથાનપુઈયાએ કહ્યું કે બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સોમવારે મિઝોરમમાં પ્રચાર કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે અમિત શાહ મામિત અને રાજ્યના દક્ષિણ ભાગની મુલાકાત લેશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રિયંકા ગાંધી અને શશિ થરૂર પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે 3 અને 4 નવેમ્બરે મિઝોરમની મુલાકાત લે તેવી શક્યતા છે. મિઝોરમ કોંગ્રેસના મીડિયા સેલના પ્રમુખ લાલરેમૃતા રેંથલીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભાષાકીય લઘુમતી વિસ્તારોમાં પ્રચાર કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 16 અને 17 ઓક્ટોબરના રોજ મિઝોરમની મુલાકાત દરમિયાન દક્ષિણ મિઝોરમના આઈઝોલ અને લુંગલેઈ શહેરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 39 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે પાર્ટીએ 23 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં તેણે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું વચન આપ્યું છે.