કર્ણાટકની એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જે વ્યક્તિને 125 કરોડ લોકોનો આશિર્વાદ પ્રાપ્ત થયેલો હોય, તેને કોઈથી ડરવાની શું જરૂરત છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યુ છે કે વિપક્ષ તેમને હટાવવાની કોશિશ કરી રહ્યું છે, જ્યારે તેઓ આતંકવાદ, ગરીબી અને ભ્રષ્ટાચારને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કર્ણાટકની એક રેલીમાં કહ્યુ છે કે જે વ્યક્તિને 125 કરોડ લોકોનો આશિર્વાદ પ્રાપ્ત હોય, તેને કોઈનાથી ડરવાની જરૂર શું છે? પછી ચાહે હિંદુસ્તાન હોય, પાકિસ્તાન હોય, ચોર હોય અથવા બેઈમાન હોય. ભારત અને 125 કરોડ લોકોએ આ શક્તિ આપી છે.
તેમણે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાના હુમલાને ટાંકીને કહ્યુ હતુ કે વિશ્વ નવા પ્રકારના સાહસનું સાક્ષી બની રહ્યું છે. આ મોદીનું નહીં પણ ભારતના 125 કરોડ લોકોનું સાહસ છે. વડાપ્રધાન મોદીએ વિપક્ષના મહાગઠબંધનને મહામિલાવટ ગણાવીને કહ્યુ છેકે દેશને મજબૂત સરકારની જરૂરિયાત છે. તેમણે કહ્યુ છે કે કર્ણાટકમાં એક નબળી સરકાર છે અને મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી રિમોટ નિયંત્રિત મુખ્યપ્રધાન છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધને લોકોની પીઠમાં છરો ઘોંપીને સત્તા મેળવી છે.
પીએમ મોદીએ રાજ્ય સરકાર પર ખેડૂતોની સાથે અન્યાય કરવાનો આરોપ લગાવતા કહ્યુ છે કે કર્ણાટકની સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના લાગુ કરવામાં સહયોગ કરી રહી નથી. તેમણે કહ્યુ છે કે જે રાજ્ય સરકાર આવી દીવાલ ઉભી કરવાની કોશિશ કરશે, તેને રાજ્યના ખેડૂતો ધ્વસ્ત કરી નાખશે. તેમણે કહ્યુ છે કે પૂર્વોત્તર ભારતનો વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા છે.