દેશના સૌ પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ‘દૂધવાણી’ ઉપર PM મોદીનો પશુપાલકો અને જનતાને ખાસ સંદેશ…
અમદાવાદઃ ગુજરાતના બનાસકાંઠામાં ભારતની સૌથી મોટી બનાસ ડેરીના દૂધવાણી નામના રેડિયો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. દેશના સૌ પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને ‘દૂધવાણી’ નામ આપવામાં આવ્યું છે. દરમિયાન બનાસ રેડિયોના શુભારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલકો અને જનતાને દૂધવાણી મારફતે વિશેષ સંદેશ આપ્યો છે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંદેશમાં કહ્યું છે કે, ગુજરાતનું પશુધન, ગુજરાતના પશુપાલકો અને ગુજરાતના ડેરી ઉદ્યોગમાં દૂધવાણી એ એક નવીન શરૂઆત છે. દૂધવાણી ઓનલાઇન પણ અવેલેબલ હોવાથી દૂનિયાભરમાં વસેલા બનાસકાંઠાના લોકો બનાસકાંઠા સાથે જીવંત સંપર્ક રાખી શકશે. દૂધવાણી એક એવું રેડિયો સ્ટેશન છે જ્યાં મનુષ્ય ઉપરાંત પશુઓની પણ ચિંતા કરવામાં આવી છે. દૂધવાણી રેડિયો સ્ટેશન દ્વારા સવારમાં બાંસુરીના નાદ, વાજિંત્રોના નાદ વગાડવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, આ એક એવું રેડિયો સ્ટેશન હશે જ્યાં દૂધ દોહવાના સમયે પશુ માટે ઉત્તમ સંગીત પરોસવામાં આવશે. આપદાના સમયે કોઈ સૂચના પહોંચાડવી હશે તો દૂધવાણી એક એવું માધ્યમ છે જેના થકી પશુપાલકોને તાત્કાલીક ગામડે ગામડે સુચના પહોંચી જશે. આપણે ત્યાં પશુપાલનની સફળતા પાછળ માતાઓ અને બહેનોનું ખુબ મોટુ યોગદાન છે. દૂધવાણીના માધ્યમથી પશુપાલનની રોજની ઘટનાઓથી તેમને પરિચીત કરવામાં આવશે, પશુ આહાર માટેનું એમને પ્રશિક્ષણ કરવામાં આવશે, આ બધી બાબતોને કારણે દૂધવાણી એક ઉત્તમ અભિયાન સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આપણા કવિઓ અને યુવા કલમોને નિમંત્રીત કરી શકાય અને તેમની પાસે પશુપાલનને લગતી કવિતા લખાવી શકાય અને દર અઠવાડિયે તેની સ્પર્ધા પણ થઈ શકે. ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું એક મોટુ બીડું ઉઠાવ્યું છે અને આ પ્રાકૃતિક ખેતીમાં ગાય એક મોટી શક્તિ છે. આપણી ધરતીને કેમિકલમુક્ત કરવાનું બીડું આપડે બધાએ ઉઠાવવું જોઈએ. જો દૂધવાણી પર પ્રાકૃતિક ખેતી પર લગાતાર કાર્યક્રમો થાય, ખેડૂતો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમો થાય, પશુપાલકો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમ થાય તો હું ચોક્કસપણે માનું છું કે ઘેર ઘેર દૂધવાણી એક જીવતી જાગતી યુનિવર્સીટી બની જશે. ટીવીના જમાનામાં રેડિયોની તાકાત કેટલી મોટી હોય છે એ મેં મન કી બાતમાં અનુભવ્યુ છે. મન કી બાતે મને લોકોના ઘર સુધી નહી, લોકોના હ્રદય સુધી પહોંચાડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘દૂધવાણી’ રેડિયો સ્ટેશન અંદાજે 5 લાખ લોકોને ડેરી સાથે જોડશે. ‘દૂધવાણી’ એ બનાસકાંઠાના સરહદી વિસ્તારનું પ્રથમ રેડિયો સ્ટેશન છે. જેના દ્વારા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરવામાં આવશે. બનાસ ડેરી સાથે જિલ્લામાં 1100થી વધુ ગ્રામીણ સહકારી દૂધ મંડળીઓ જોડાયેલી છે. આ મંડળીઓ પર દિવસમાં બે ટાઈમ લાખો પશુપાલતો દૂધ ભરાવવા માટે આવતા હોય છે. આ સમયે તેઓ રેડિયોના માધ્યમથી દેશ-દુનિયાના સમચારથી અને ડેરીની ગતિવિધિથી અવગત કરવાનો પ્રયાસ કરાશે. દરેક દૂધ મંડળી પર સ્પીકર ગોઠવવાનો નિર્ણય કરાયો છે. જેથી પશુપાલકો રેડિયો સાંભળી શકશે.