અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ જોવા PM નરેન્દ્ર મોદીને અપાયુ આમંત્રણ
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4થી મેચની ટેસ્ટ શ્રેણી 9મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની ફાઈનલને લઈને આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ મેચને નિહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હાવાથી વડાપ્રધાન મેચ જોવા આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. તેમજ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ છેલ્લી મેચના સાક્ષી બનવા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવશે. બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળશે. વડાપ્રધાન મોદીને મેચ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને પીએમઓએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. એટલે વડાપ્રધાનનો અમદાવાદ આવવાનો કાર્યક્રમ નક્કી થઈ રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે. ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.