નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાનનું ITPO ફરીથી 123 એકરમાં સંપૂર્ણ રીતે વિકસિત થયું છે.
આ કન્વેન્શન સેન્ટરમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન 18મી G-20 બેઠક યોજાશે. સરકારી એજન્સી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન, એટલે કે આઇટીપીઓ દ્વારા બનાવવામાં આવેલું આ સંકુલ 123 એકરમાં ફેલાયેલું છે. IECCએ વિશ્વના અગ્રણી પ્રદર્શન અને સંમેલન કેન્દ્રોમાંનું એક છે. આ સંકુલ દેશનું સૌથી મોટું MICE (મિટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) કેન્દ્ર છે. સંકુલના કન્વેશન હોલ 7,000થી વધુ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે અને એ સિડનીના ઓપેરા હાઉસ કરતાં મોટું છે, આ ઉપરાંત કન્વેન્શન સેન્ટરમાં 3,000 વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ છે, જે ત્રણ PVR થિયેટર્સની સમકક્ષ છે. મિટિંગ રૂમમાં 100 લોકો એકસાથે બેસી શકે છે. 5,500થી વધુ વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ આપ
વામાં આવી છે.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારતનું આ ITPO સંકુલ વિશ્વના ટોચનાં 10 સંમેલન સંકુલમાં સામેલ થયું છે. એ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જુલાઈના રોજ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાંઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. એ સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રશાન્તિ નિલયમ એ સત્ય સાંઈ બાબાનો મુખ્ય આશ્રમ છે. આ ઈમારત અંદાજે 56 હજાર 500 ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. એમાં બે ઓડિટોરિયમ છે, બંનેમાં એક હજાર લોકોની બેઠક ક્ષમતા છે.
PM નરેન્દ્ર મોદી બુધવારે રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) રાષ્ટ્રને સમર્પિત કરતા આનંદ અનુભવ્યો હતો. વડાપ્રધાને બુધવારે સવારે સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં આંતરરાષ્ટ્રીય બેઠકો, પરિષદો અને પ્રદર્શનો યોજવા માટે આ સંકુલ વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા મળી રહેશે.