અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા પ્રચારની મુખ્ય કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સામે વલસાડ અને કાલે રવિવારે સોમનાથ, અમરેલી, ઘોરાજી અને બોટાદમાં જોહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસ દરમિયાન આઠ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત કેન્દ્રની આખી ફોજ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ છે. ભાજપ કોઈ કસર બાકી છોડવા માગતું નથી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચારની બાગદોર સંભાળી લીધી છે. વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે ફરીવાર આવી રહ્યા છે. મોદી આજે સાંજે 7.30 કલાકે વલસાડમાં સભાને સંબોધશે. તેમજ કાલે રવિવારે સૌરાષ્ટ્રમાં પ્રચારનું વાવાઝોડુ સર્જવાના છે. રવિવારે સવારે વડાપ્રધાન સોમનાથમાં પુજા કરી સભા સંબોધશે. ત્યારબાદ ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભાનું આયોજન ભાજપના ચૂંટણી પ્રચાર માટે કરાયું છે. વડાપ્રધાન ત્રણ દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ સંભાળી છે.
પ્રદેશ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. વડાપ્રધાન મોદી આજે સાંજે 7-30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન રાત્રી રોકાણ પણ અહીં કરવાના છે. જ્યારે રવિવારે વડાપ્રધાન સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે ત્યાર બાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી વેરાવળમાં સવારે 11 કલાકે , ધોરાજીમાં બપોરે 12-45 કલાકે, અમરેલીમાં બપોરે 2-30 કલાકે અને બોટાદમાં સાંજે 6-15 કલાકે સભા કરશે. ત્યારબાદ વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાન સોમવારે ત્રણ સભાઓને સંબોધિત કરશે. સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધિત કરશે જ્યારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. સોમવારનો કાર્યક્રમ હજુ ફાઇનલ થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદી ગુજરાતમાં’ 30 રેલીઓ અને રોડ શો કરે તેવું આયોજન કર્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 30થી વધુ રેલી કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી આજે અરૂણાચલ પ્રદેશ અને ઉતરપ્રદેશમાં પોતાના લોકસભા મત વિસ્તાર વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી સાંજે દમણ પહોંચશે. વડાપ્રધાન મોદી વાપીમાં દોઢ કિ.મી. લાંબો રોડ-શો યોજી જનતાનું અભિવાદન ઝીલશે અને ત્યારબાદ વલસાડમાં જંગી જાહેરસભા સંબોધશે. વડાપ્રધાને મોડી સાંજે ટ્વીટ કરીને શનિવારે તેઓ વલસાડમાં પ્રચારસભા સંબોધશે એમ કહી ગુજરાતમાં વિકાસને કારણે ભાજપને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને વિરોધીઓનો ગુજરાત વિરોધી એજન્ડા જનતાએ ફગાવી દીધો છે એમ જણાવ્યું છે.