- પીએમ મોદીએ ઇટાલીના પીએમ સાથે કરી વાતચીત
- ઇટાલીના પીએમ મારિયો દ્રાધી સાથે ફોન પર કરી વાત
- અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અસર અંગે કરી ચર્ચા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે ફોન પર વાત કરી હતી અને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે વાત કરી અને અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ પર સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસની જરૂરિયાત અંગે ચર્ચા કરી.
બાદમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને નેતાઓએ ફોન ચર્ચા દરમિયાન અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ અને વિશ્વ અને ક્ષેત્ર પર તેની અસર અંગે ચર્ચા કરી હતી.પીએમઓના જણાવ્યા મુંજબ, બંને નેતાઓએ કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જીવલેણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો હતો.
પીએમઓએ કહ્યું કે, બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ઉભી થયેલી માનવતાવાદી અને સુરક્ષા કટોકટીને ઉકેલવા માટે જી -20 સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ G20 એજન્ડા સાથે સંબંધિત અન્ય મહત્વના વિષયો પર પણ ચર્ચા કરી, જેમાં આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે.