વડોદરાઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમમા 26 બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આગામી 10મી ફેબ્રુઆરીએ વડોદરામાં આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આદિવાસી સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં 400 સીટનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ આદિવાસી સંમેલનને સંબોધન કરવા માટે આવી રહ્યા છે. તે માટે શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સંમેલનની જગ્યાએ ભાજપના હોદ્દેદારોએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેર ભાજપ દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બેલ્ટનું આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે માટે વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઇવે અડીને આવેલી પાંજરાપોળની 160 વિઘા જમીનમાં આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજાશે. જેને લઈ જમીનનું નિરીક્ષણ કરવા માટે સાંસદ રંજન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, મેયર પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્યો મનિષા વકીલ, કેયુર રોકડીયા, વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી, વડોદરા પાંજરા પોળની જગ્યાના મંત્રી રાજીવ શાહ સહિત પાલિકાના હોદ્દેદારો પહોંચ્યા હતા
આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ મોરચા સાથે બેઠક કરવાના છે. વડોદરામાં આદિવાસી સમાજની પશ્ચિમ વિસ્તારની સમગ્ર દેશની બેઠકનું આયોજન વિચારાઇ રહ્યું છે. 50 હજાર લોકોને લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર લોકો રહી શકે તે માટે ટેન્ટ સિટી બનાવવાનું પણ આયોજન છે. (file photo)