સુરતઃ શહેરમાં પાટીદાર બીઝનેસમેન અને વેપારીઓની સારીએવી સંખ્યા છે. ત્યારે શહેરમાં આગામી તા. 29મીથી 1લી મે સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ પાટીદાર સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ રીતે કરવામાં આવશે. ગ્લોબલ પાટીદાર સમિટમાં અંદાજે પાંચ લાખ કરતાં વધુ વિઝિટર્સ આવે તેવી શક્યતા છે. 950 કરતાં વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીથી તાપી સુધીના તમામ નાના મોટા ઉદ્યોગ સાહસિકો આ સમિટમાં ભાગ લેશે. સામાજિક સમરસતાના ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 38 ટકા જેટલું યોગદાન આપવામાં આવશે. સમિટમાં અંદર 13થી 15 અલગ-અલગ ચેપ્ટર ભાગ લેશે. જેમ કે, ડેરી ઉદ્યોગ એગ્રીકલ્ચર આઇટી અને ફાર્મા. સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, સિવિલ સર્વિસીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBO ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, યુવા તેજસ્વીની સંગઠનનો સમાવેશ થાય છે.
ગ્લોબલ પાટીદાર સમિટના કન્વીનર મનીષ કાપડીયા જણાવ્યું હતું કે, રાજ્યનું ફાઈનાન્સિયલ અને કેપિટલ સુરત ગણાય છે. વિશ્વનું ઝડપી વિકસિત શહેર છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર થઇને આવેલા પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણથી ડાયમંડ ટેક્સટાઇલ, રીઅલ એસ્ટેટ તેમજ વિવિધ ધંધામાં પ્રગતિ કરી છે. સુરતના વિકાસમાં સમગ્ર પાટીદાર સમાજનો અમૂલ્ય ફાળો છે. પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના લોકોને ઔદ્યોગિક સાહસિક તરીકેનું એક સારું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.