રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાની મુલાકાતને લીધે સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. ત્યારબાદ રાજકોટ-મોરબી જિલ્લાના 7 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનથી લઈને કાર્યક્રમ સુધીની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટથી રેસકોર્સ તેમજ રેસકોર્સથી શાસ્ત્રી મેદાન સુધીના રૂટ પર 8 ડીસીપી-એસપી, 16 એસીપી-ડીવાયએસપી, 51 પીઆઈ, 156 પીએસઆઈ, 1320 પોલીસ જવાનો, 177 મહિલા પોલીસ, 284 એસઆરપી, 505 હોમગાર્ડ અને 658 ટીઆરબી બંદોબસ્તમાં જોતરાશે. સભા સ્થળની આસપાસ 11 જેટલા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી (જામનગર રોડ)થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ વગેરે વિકાસ કામોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ 5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.