ગાંધીનગર: સુરતના સૌથી મોટા આલીશાન ડાયમંડ બુર્સના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા, 17મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે હજુ વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મૌખિક સુચના મળતા વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. એમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહેવા છે. પણ તે પહેલા વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે સુરત આવે તેવા સંકેત મળી રહ્યા છે. સુરતમાં બંધાયેલા વિશ્વના સૌથી મોટા આલિશાન ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની સાથે સુરત એરપોર્ટના વિસ્તરણની યોજનાનું અનાવરણ પણ વડાપ્રધાનના હસ્તે કરાશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આ અંગેની મૌખિક સૂચનાઓ આપી દેવાઇ છે પરંતુ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત બાકી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતનું ડાયમંડ બુર્સ 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડીંગ 35.54 એક્ટર વિશાળ જગ્યા પર તૈયાર થઈ ચૂક્યું છે. દિવાળી પૂર્વે ધનતેરસના દિવસે 15 માળના 9 ટાવર ધરાવતા અંદાજે 4500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસનો પ્રારંભ થાય તેવી શક્યતા હતી. પરંતુ અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને આ કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો હતો. જો કે આ બિલ્ડિંગમાં કેટલીક ઓફિસો લાભ પાંચમથી શરૂ થઈ ચૂકી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધન નરેન્દ્ર મોદી ગત 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. ડ્રીમસિટી- હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ 35.54 એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતિક્ષામાં છે.