PM નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 16મી જુલાઇને શુક્રવારના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલીઝંડી આપીને ગાંધીનગરથી વરેઠા વચ્ચે દોડનારી મેમુટ્રેનનો સાંજે 4 કલાકે પ્રારંભ કરાવશે. ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણથી વરેઠા સુધીના તમામ સ્ટેશનો પર ટ્રેનનું સ્વાગત કરાશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર-વરેઠા વચ્ચે દોડનારી મેમુ ટ્રેન ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણ ખાતે સાંજે 17-29 કલાકે પ્રવેશ કરનાર છે. આ ટ્રેન જિલ્લાના ઝુલાસણ ખાતે 1 મિનિટ, ડાંગરવા 1 મિનિટ, આંબલીયાસણ 2 મિનિટ, જગુદણ 2 મિનિટ, મહેસાણા શહેર 5 મિનિટ, રંડાલા 2 મિનિટ, પુદગામ-ગણેશપુરા 2 મિનિટ, વિસનગર શહેર 2 મિનિટ, ગુંજા 2 મિનિટ, વડનગર શહેર 7 મિનિટ, ખેરાલું શહેર 2 મિનિટ અને વરેઠા ખાતે ટ્રેનનું છેલ્લું સ્ટોપેજ આપેલું છે.
દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી ટ્રેનને સાંજે 4.30 કલાકે પ્રસ્થાન કરાવશે. જે મોટી આદરજ, કલોલ થઇ મહેસણા જિલ્લાના ઝુલાસણ ખાતે 17:29 કલાકે પ્રવેશ કરશે. ત્યારબાદ ડાંગરવા 17:39 મિનિટે, આંબલીયાસણ 17:46 મિનિટે, જગુદણ 17:56 મિનિટે, મહેસાણા 18:25 મિનિટે, રંડાલા 18:42 મિનિટે, પુદગામ-ગણેશપુરા 18:49 મિનિટે, વિસનગર 18:59 મિનિટે, ગુંજા 19:09 મિનિટે, વડનગર 19:36 મિનિટે, ખેરાલું 19:48 મિનિટે તેમજ વરેઠા 20:20 મિનિટે ટ્રેન આવશે.
આ રેલગાડીના આઠ કોચમાં યાત્રિકોની મુસાફરી આનંદદાયક બની રહે તે માટે મનોરંજની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જેમાં કોચ નં. 01થી 03માં રંગલા-રંગલીનો કાર્યક્રમ અને ભજન ગીતો, કોચ નં. 04થી 06માં બહુરૂપી મજરાનો કાર્યક્ર્મ અને કોચ નં.07થી 08માં હાસ્ય કલાકાર દ્વારા રમુજ કાર્યક્રમ અને લોકસંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
મહેસાણા, વિસનગર, વડનગર અને વરેઠા ખાતે મેમુ ટ્રેનના સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લાના તમામ 12 સ્ટેશનો પર ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે. મહેસાણા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે અને વરેઠા ખાતે મંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે. આ મેમુ ટ્રેનમાં આઠ કોચ અને દરેક કોચમાં 72 યાત્રિકોની વ્યવસ્થા છે. દરેક કોચમાં યાત્રિકો મુસાફરી કરનાર છે. આ રેલગાડીના શુભારંભ સમયે સાધુ સંતો, શિક્ષકો ,બાળકો, સ્વામી વિવેકાનંદ યુવક મંડળના યુવકો, એન.સી.સી કેડેટ, એન.એસ.એસના વિધાર્થીઓ, પદાધિકારીઓ મુસાફરી કરશે