Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં ભાવનગર, સુરત અને અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાવનગર અને સુરતમાં વિકાસ કામોના લોકાર્પણો અને જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પણ અત્યાર સુધીમાં અનેક વાર ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે આ મહિનાના અંતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. માહિતી મુજબ 29-30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાતના બે  દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમ કરશે. જ્યારે 30મી  સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના બે રૂટનો શુભારંભ કરાવશે. વડાપ્રધાન 29મી સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમો કરશે. 29મી  સપ્ટેમ્બરે સાંજે અમદાવાદમાં 36મી રાષ્ટ્રીય રમતોનો પ્રારંભ કરાવશે. ગુજરાત પહેલીવાર આ રમતોત્સવનું યજમાન બની રહ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. વસ્ત્રાલ-થલતેજ, APMC અને મોટેરા મેટ્રો રુટ તૈયાર થઇ ગયો છે. 3 કોચ સાથે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે દોડશે. મેટ્રો ટ્રેનમાં રોજ સરેરાશ 40 હજાર મુસાફરો સફર કરી શકશે. અત્યારે ટ્રેનને એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચતા માત્ર દોઢ મિનીટ થશે. અત્યારે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલુ છે. આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા PM નરેન્દ્ર મોદીએ કચ્છને વિકાસની ભેટ આપી હતી..તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી

.