દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે, અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતર કરવામાં આવી છે હવે 24 કલાક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વિચારને આગળ વધારવાની સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હોસ્પિટલોમાં રાત્રિના સમયે પીએમ કરવાની સુવિધા છે. તે હોસ્પિટલોમાં હવે રાત્રિના સમયે પણ પીએમ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગે કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વિવિધ સ્ત્રોત પાસેથી મળેલા અભિયાસ બાદ રાત્રિના સમયે પણ પીએમનો નિર્ણય કરવામાં આવ્યો છે. મૃતકોના મિત્રો અને પરિવારજનો ઉપર આ નિર્ણયથી અંગદાન અને પ્રતિરોપણમાં પણ વધારો થશે.